૧૨ જ્યોતિર્લિંગોમાંનું એક જ્યોતિર્લિંગ મહાકાલેશ્વર મંદિર કે, જે મધ્યપ્રદેશ રાજ્યમાં ઉજ્જૈનમાં આવેલું છે. હાલમાં ઉજ્જૈન તરીકે ઓળખાતું શહેર પહેલાં અવંતિકા નગરી તરીકે ઓળખાતું હતું. મહાકાલેશ્વર મંદિરનો ઈતિહાસ અત્યંત પૌરાણિક છે.

શ્રી મહાકાલેશ્વર મહાદેવ, ઉજ્જૈન
પહેલાનાં સમયે ઉજ્જૈન જ્યારે અવંતિકા નગરી તરીકે ઓળખાતું હતું. ત્યારે ત્યાં ચંદ્રસેન નામનાં રાજા રાજ્ય કરતાં હતાં. ચંદ્રસેન ભગવાન શિવનાં પરમ ઉપાસક હતાં. એક દિવસ ચંદ્રસેન શિવજીની પૂજામાં લીન હતાં. એ સમયે એક ગોંડ જાતિનો બાળક મંદિરમાં આવ્યો અને રાજા ચંદ્રસેનને પૂજામાં લીન થયેલા જોઈને તે પણ સાથે પૂજામાં બેસી ગયો. એ સમયે દુશ્મન રાજાઓએ અવંતિકા નગરી ઉપર હુમલો કરી દીધો. આ સમયે તે બાળક દ્વારા મહાદેવને પ્રાથના કરવામાં આવી કે, “હે મહાદેવ, અમારું રક્ષણ કરો.” બાળકની પ્રાથનાથી મહાદેવ પ્રગટ થયા પોતાના રોદ્ર મહાકાલ સ્વરૂપમાં અને બધા દુશ્મન સૈન્યનો નાશ કર્યો અને અવંતિકા નગરીના લોકોનું રક્ષણ કર્યું. શિવજીનો અવતાર એટલો રોદ્ર હતો કે જેનાથી દશ દિશાઓ કંપી ઉઠી હતી. શિવજી એ દુશ્મનોનો નાશ કર્યા પછી કહ્યું કે, “આજથી હું અવંતિકા નગરીમાં મહાકાલ સ્વરૂપે રહીશ અને મારાં મહાકાલ સ્વરૂપનાં દર્શન કરવાથી લોકોનાં ભયનો નાશ પામશે અને મોક્ષ પ્રાપ્ત થશે.” ત્યારબાદ ત્યાં એક સ્વયંભૂ શિવલિંગ પ્રગટ થયું. જે મહાકાલેશ્વર જ્યોતિર્લિંગ કહેવાય છે. મહાકાલેશ્વર જ્યોતિર્લિંગ દક્ષિણમુખી છે. બાબા મહાકાલની રોજ સવારે ૪ વાગે ભસ્મ આરતી થાય છે.
હાલ, મહાકાલ નગરીને અલગ જ રૂપ આપવામાં આવ્યું છે. ભસ્મ આરતીનું ઓનલાઈન રજીસ્ટ્રેશન થાય છે. રહેવાની વ્યવસ્થા પણ સારી એવી મળી રહે છે.
